ઊંઝાઃ વિશ્વના સૌથી મોટા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની રવિવારે પૂર્ણાહુતિ થઇ હતી. મીડિયા કમિટી ચેરમેન અરવિંદ પટેલે આ યજ્ઞ વિશે જણાવ્યું કે, પાંચ દિવસ સુધી ચાલેલા મહાયજ્ઞ પાછળ અંદાજે રૂ. ૨૫ કરોડનો ખર્ચ કરાયો હતો જ્યારે ૬૦ લાખથી વધુ ભક્તો આ મહોત્સવના સાક્ષી બન્યા હતા. ૮૦૦ વીઘા વિસ્તારમાં ફેલાયેલા ઉમિયાનગરમાં ૧૮મી ડિસેમ્બરથી શરૂ થયેલા લક્ષચંડી મહાયજ્ઞમાં અત્યાર સુધીમા ૬૦ લાખથી વધુ લોકો આવ્યા હતા છેલ્લા દિવસે આશરે ૧૦ લાખ શ્રદ્ધાળુઓએ દર્શનનો લહાવો લઇને ધન્યતા અનુભવી હતી. યજ્ઞશાળાની પરિક્રમા કરવાનું મેળવવા શ્રદ્ધાળુઓ ઊલટભેર એકથી માંડીને પાંચ કે દસ પરિક્રમા કરવાનો લહાવો મેળવી રહ્યા હતા. સાંજે ૫ વાગ્યા પછી યજ્ઞશાળા અને ધર્મ સભાગૃહમાં સાઉન્ડના સૂરે વિરામ લીધો હતો. સાંજ પછી લોકોનો પ્રવાહ ધીમો પડયો હતો. છેલ્લા દિવસે આશરે ૧૦ લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લહાવો લઇને ધન્યતા અનુભવી હતી. આ યજ્ઞમાં પાટલાના યજમાન સહિત પાંચ દિવસની મુલાકાત દરમિયાન કુલ ૬૦ કરોડનું દાન મળ્યું હતું. રવિવારે બપોરે ૨.૩૦થી ૪ વાગ્યે કુલ ૧૦૮ હોમાત્મક યજ્ઞ કુંડમાં આહુતિ આપી પૂર્ણાહૂતિનો હોમ કરાયો હતો. લાખો લોકોએ મા ઉમિયાના દર્શન કરવાની સાથે પાંચ દિવસ દરમિયાન ૪.૫ કરોડ લોકોએ ફેસબુક અને યુ-ટ્યૂબ પર જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
ઘીની આહુતિ માટે રૂ. ૫૫ લાખ દાન
રવિવારે મહોત્સવના અંતિમ દિવસે ઘીની આહુતિ માટે રૂ. ૫૫ લાખ દાન પેટે મળ્યા હતાં. રૂ. ૨૦૦ની હૂંડીરૂપે રૂ. ૮૫ લાખ તેમજ લક્ષચંડી યજ્ઞમાં રવિવારે રૂ. ૧૫ લાખ હૂંડી પેટે મળ્યા હતા. આ ઉપરાંત રૂ. ૫-૫ હજારના દાન પેટે રૂ. ૭ લાખ પણ મળ્યા હતાં. કુલ મળીને મહોત્સવમાં રૂ. ૨૫ કરોડનું દાન મળ્યું હતું.
૫ હજાર એનઆરઆઈઓએ હાજરી આપી
મહોત્સવને વધાવવા દેશવિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. જેમાં વિદેશમાં વસતા ૫ હજારથી વધુ પાટીદારો લક્ષચંડી યજ્ઞમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, લંડન, કેનેડા, ન્યુજર્સી ખાતે વસવાટ કરતા પાટીદાર દર્શનાર્થીઓ મા ઉમિયાના દર્શનનો લાભ લઈ ધન્ય બન્યા હતા.
વડા પ્રધાન-ગૃહ પ્રધાન દ્વારા શુભેચ્છા
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પાઠવેલી શુભેચ્છા અને અભિનંદન દ્વારા જણાવાયું છે કે, સમાજની સમરસતા માટે આ મહાયજ્ઞ પ્રેરણાદાયી બન્યો છે. તમામ સહયોગીઓ અભિનંદનને પાત્ર છે.
૭૪ વર્ષના વૃદ્ધ ૩૮૦ કિ.મી. પગપાળા ઊંઝા પહોંચ્યા
ઊંઝાના કામલી ગામના બાબુભાઈ પરસોત્તમદાસ પટેલ (ગામી) વર્ષોથી સુરત સ્થાયી થયા છે. જોકે પાટીદારોની કુળદેવી મા ઉમિયામાં તેમને અતૂટ શ્રદ્ધા છે. જેને લઈ તેઓ ૮મી ડિસેમ્બરે સુરતથી પગપાળા ચાલીને ઊંઝા આવવા નીકળ્યા હતા. એકલપંથે આ ૭૪ વર્ષીય વૃદ્ધને ઊંઝા પહોંચતા નવ દિવસ થયા હતા અને ૧૭મી ડિસેમ્બરે ૩૮૦ કિમી. પગપાળા ચાલી તેઓ ઊંઝા પહોંચ્યા હતા. બાબુભાઈ પટેલે માર્ગમાં નવ દિવસ પાટીદાર સ્વયંસેવકોના ઘરે રોકાણ કરી આ યાત્રા પૂર્ણ કરી હતી. બાબુભાઈ પટેલે કહ્યું કે, મા ઉમામાં શ્રદ્ધા હોવાથી આંટલું અંતર કાપવા તાકાત આવી હતી. તેમણે આ મહોત્સવના આયોજકોને ધન્યવાદ આપ્યા હતા.
અમદાવાદના ભક્ત દ્વારા ૭ તોલાના આભૂષણો અર્પણ
અમદાવાદના સતીષભાઈ પટેલ અને તેમના માતૃશ્રી પાર્વતીબહેન પટેલ સહિતના પરિવાર દ્વારા મા ઉમાને મગમાળા, નથણી અને હાર સહિતના ૭ તોલાના સોનાના આભૂષણો અર્પણ કરાયા હતા.
યજમાનોને માતાજી અને ગણપતિની મૂર્તિ અપાઈ
૮૧ ફુટ ઊંચી યજ્ઞાશાળામાં શરૂ થયેલા મહાલક્ષચંડીયજ્ઞામાં બિરાજમાન મુખ્ય ૧૦૮ યજમાન અને ૧૧૦૦ સર્વ સમાજના મળી તમામ યજમાનોને બ્રાહ્મણો દ્વારા સૌપ્રથમ માતાજીની અને વિઘ્નહર્તા ગણપતિ દાદાની સિદ્ધ કરેલ મૂર્તિ આપવામાં આવી હતી. ત્યારબાદ આ મહાયજ્ઞાની પૂજાવિધિ શરૂ કરાઈ હતી.
હાર્દિક પટેલને પ્રવેશ આપવા હાઇ કોર્ટનો ઇનકાર
હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં મહેસાણાથી તડીપાર કરવાની શરતે હાઇ કોર્ટે અગાઉ જામીન મંજૂર કર્યા હતા. ઊંઝામાં યજ્ઞમાં હાજરી આપવા હાર્દિકે હાઇ કોર્ટમાં જામીનની શરતમાં છૂટછાટ આપવા દાદ માગી હતી. જોકે હાઇ કોર્ટે અરજી ફગાવી હતી. સરકારે આ કેસમાં હાર્દિક પટેલની સોશિયલ મીડિયાની કમેન્ટ બાબતે હાઈ કોર્ટમાં દલીલ કરી હતી કે, હાર્દિકે સોશિયલ મીડિયા પર અયોગ્ય કમેન્ટ્સ કરી છે.
દર્શન કરવા હોય તે માણસ જાહેરમાં આ પ્રકારના નિવેદનો આપે નહીં. હાર્દિકનો ઇરાદો દર્શન કરવાનો બિલકુલ લાગતો નથી. પાટીદારોને ઉશ્કેરવાની શકયતાને નકારી શકાય નહીં. અંતે હાઈ કોર્ટે હાર્દિકને ઊંઝા જવાની વિનંતી ફગાવી હતી.
મહોત્સવની હાઇલાઇટ્સ
• ૪.૫ કરોડ લોકો દ્વારા ફેસબુક, યુ-ટ્યૂબ પર લાઇવ દર્શન કર્યા • ૫ લાખ લોકોએ પાંચ દિવસમાં ધર્મસભાનો લાભ લીધો હતો • ૨૨ લાખથી વધુ લોકોએ ભોજન લીધું • ૫.૫૦ લાખ જેટલા વાહન પાર્કિંગ કરાયા હતા • ૭૮ લાખથી વધુ લોકોએ રાઇડ્સનો આંનદ માણ્યો • ૧૫,૦૦૦ મહિલાઓનાં બ્રેસ્ટ કેન્સર સ્કેનિંગ • ૨૫૦૦૦થી વધુ વ્યક્તિએ મેડિકલ ચેકઅપ કરાવ્યું • ૧૮૦૦૦થી વધુ યજ્ઞમાં વિખૂટા પડેલાને લાઉડ સ્પીકરથી મેળવાયા • ૭.૭૧ કરોડ રૂપિયાનું લક્ષચંડી માટે ૧૬ યજમાન દ્વારા દાન • ૨.૩૦ કરોડ રૂપિયાની રકમ દાનપેટે મળી • ૮૫ લાખ રૂપિયા૫૦૦ની હૂંડી વિતરણથી મળ્યા • ૧૨૫૦ લોકો દ્વારા હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા • ૧૮૦૦૦ ચો.ફૂટમાં ૫૦ એલઇડી સ્ક્રીન, મહોત્સવ લાઇવ કરાયો • ૧૦ જેટલા રેકોર્ડ બ્રેક કરાયા • ૧૧૦૦ પંડિત, મુખ્ય આચાર્ય શાસ્ત્રી રાજેશ અનંતદેવ શુકલ દ્વારા મહાયજ્ઞ સંપન્ન • ૧૨૦૦ ગાયને પાંજરાપોળમાં મોકલાઇ • ૬૦૦થી વધુ એસટી બસ યાત્રિકો માટે ફાળવાઇ હતી • ૨૦,૦૦૦થી વધુ સ્વયંસેવકો, ૧૦૦૦૦થી વધુ સ્વયંસેવિકા • ૫૦૦ ખેડૂતોએ નિ:સ્વાર્થભાવે લક્ષચંડી યજ્ઞ માટે ૮૦૦ વીઘા જમીન ફાળવી હતી • ૫ લાખ ૪૬ હજાર કપમાં ૨૧૦૦૦૦ લીટર ચા વહેંચવાનો રેકોર્ડ • ૧૦ લાખ આમંત્રણ પત્રિકા જાતે જ વહેંચવાનો રેકોર્ડ • ૨૦ હજાર શ્રદ્ધાળુઓને એક જ સ્થળે ઉતારો આપવાનો રેકોર્ડ • ૮૮૯૦ લોકોએ અગિયાર વાર ઉમિયા માતા કી જયના નારા લગાવી રેકોર્ડ બ્રેક કર્યો